દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !
કારતકના કોડીલા દિવસો -
ઊગી આથમી ખરતા, સાજન !
માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન.
પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !
માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિષે કરગરતા, સાજન !
છાકભર્યા ફાગણના દહાડા -
હોશ અમારા હરતા, સાજન !
ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !
એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !
જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !
આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !
શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !
ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !
આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !
- રાજેન્દ્ર શુક્લ
( પરહરતાં=છોડી જતા, મ્હોલો=મહેલો, છાક=કેફ, ગોરજવેળા=સાંજ )
No comments:
Post a Comment