Thursday, 1 March 2012

One-liners from Raghivir Chaudhari

શ્રી રઘુવીર ચૌધરીનાં લખાણમાંથી પસંદ કરેલાં અવતરણો


મા-બાપને પુત્ર અને પુત્રવધૂ કરતાં પૌત્ર વધુ ગમે. એમાંથી જ પેલી કહેવત પડીઃ મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે.

ઓછાબોલા હોવાનો એક ફાયદો છે. આપણી પીડા પ્રગટ થઈ જતી નથી, આપણા ઘા ખુલ્લા પડી જતા નથી અને જલદી રુઝાઈ જાય છે.

આગળ વધવા માગનારને ભૂતકાળમાં ખૂંચી જવું પાલવે નહી.

જેણે જીવનમાં ચોક્કસ આદર્શો સિદ્ધ કરવા છે, એણે સંસારની માયાજાળમાં લપેટાવું નહીં.

પ્રતિભાશાળી માણસો થોડાક ઍબ્નોર્મલ તો હોવાના જ.

ફાયર બ્રિક્સ સર્વાધિક તપીને જ તમામ પ્રકારનાં તાપમાનનો સામનો કરી શકે છે.

માણસમાં પુનર્વિચાર કરવાની શક્તિ ન હોત તો એ શું નું શું કરી બેસત?

જેનામાં ઊંડી સંવેદના હોય એ જ પાગલ થઈ શકે.

જે પ્રવાહમાં વહી ન જાય અને કિનારે ઉભો રહીને વસ્તુસ્થિતી સમજી લે એને તટ-સ્થ કહેવાય.

પતિ-પત્ની વચ્ચે ટૂંકી મુદતનાં રિસામણાં ચાલ્યાં કરે.

લગ્ન પછી પ્રણયકલહથી પ્રેમ વધે છે.

એક સમય એવો હોય છે જયારે પ્રેયસીનાં દર્શન માત્રથી રક્તસંચારની ગતિ વધી જાય છે.

સુખી થવા પ્રયત્ન કરવા કરતાં અંત:કરણને અનુસરીને પ્રવૃત્તિ કર્યા કરવી.

મને માણસમાં પણ અખુટ શ્રધ્ધા છે. ક્યારેક એનામાં સંગોપાયેલું દૈવી તત્ત્વ માથું ઊચકતું પણ હોય. કોને ખબર?

અનુકૂળ માણસોનો અનુકૂળ માણસો સાથે કોઈ પૂણ્ય બળે જ સંગ થાય છે.

દરેક માને એમ લાગે છે કે દીકરી પિયરમાં જેટલી સુખી હતી એટલી સાસરે સુખી નથી.

બીજાના મનોરંજન સિવાય પતિ-પત્નીની લડાઈ કશા કામની નથી.

પતિ-પત્ની જિંદગીભર નક્કી કરી શકતાં નથી કે કોણ કોનાથી વધુ સારું. છેલ્લે બેમાંથી એકનું અવસાન થાય છે અને બીજાને વિચારવા માટે પૂરતો વખત મળે છે તો એને ખ્યાલ આવી જાય છે કે મરનાર પોતાનાથી વધુ સારું હતુ. મરણ મરનારના ગુણો ઉપસાવી આપે છે.

માણસના ગુણ કરતાં એના રુપની ખબર વહેલી પડે.

બાળકોને બાહ્ય સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્યમાં વધુ સમજણ પડે છે કારણ કે એમને સૌંદર્ય સાથે સ્વાર્થનો સંબંધ નથી હોતો.

માણસો બાધા કેમ રાખતા હશે? પરમાત્માને પ્રાર્થના હોય, શરતી વિનંતી નહીં.

દુનિયામાં સારા માણસો છે તેથી તો જીવવાનુ મન રહે છે, મરવા માટે પૂરતાં કારણો હોવાં છતાં.

બસમાં કોઈ વૃદ્ધાને જગ્યા આપવા કોઈ યુવાન તૈયાર ન હોય પણ કોઈ સૌંદર્યવાન વર્ગસખી જો ઊભી હોય તો એને જગ્યા આપવા સ્પર્ધા થઈ જાય!

લોકો મારા વિશે ખરાબ બોલે એમાં મને ગુસ્સો નથી આવતો.જેમનાં બધાં વખાણ કરતાં હોય એવા મણસો પણ કયારેક નાલાયક હોય છે.

જે સ્ત્રીઓ ઊંઘમાં પણ સપ્રમાણ અને સ્વસ્થ લાગે એને હું સુંદર કહું.

એક પક્ષીય પ્રેમ વધુ પ્રબળ હોય છે.

પ્રેમનો અનુભવ થયા પછી પ્રેમ વિના જીવવું કેટલું અઘરું છે એ તો એ જ જાણે.

બીજવર પરણી મહાસુખ પામે એ કહેવત અમસ્તી જ પડી નથી.એકવાર છૂટાછેડા લેવા પડયા હોય એ પતિ નિષ્ફળ દાંપત્યનાં કારણો બરાબર જાણતો હોય છે.

બે હૃદયનો સંબંધ કોઈ ત્રીજી વ્યક્તિનુ અહિત ન કરે એમાં જ એની સાર્થકતા છે.

આપણે જેનું કલ્યાણ કરી શક્યા ન હોઈએ એનું બીજા દ્વારા કલ્યાણ કરી આપવાની વાસના રહી જતી હોય છે.

પુરુષોના અભિપ્રાયની યુવાન સ્ત્રીઓ પર વધુ પડતી અસર થાય છે.

માફ કરવામા આવે એ તો એક જ વખત.ભૂલ બેવડાતી રહે તો ગુનો બની જાય છે.

મરનારનો કોઈ વિકલ્પ નથી.

ઘાતકી અનુભવોનાં સ્મરણો પણ જીવલેણ રોગની જેમ પીછો છોડતાં નથી.

તટસ્થ થયા વિના વિશ્લેષણ ન થઈ શકે.

પ્રેમનો અનુભવ જિંદગીભરની મૂડી બની રહે છે.

અગવડ-સગવડનાં અડધાં મૂળ માણસના મનમાં હોય છે.

ફોન પર આંસુ લૂછી શકાતાં નથી.

વધતી જતી ફાંદને લોકો સુખની નિશાની ગણે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓને સાધુ સંતો વધુ ગમતા હોય છે.

આજીવન કુવારાં રહેવાની જાહેરાત કરનાર પણ નિર્ણય બદલતાં હોય છે.

સ્ત્રી હાથ લંબાવતી નથી; એ પ્રતિભાવ દાખવે.અર્પણ થાય.

ઝગડો કરવા કરતાં મૂંગાં રહેવું સારું.

પ્રકૃતિનું સાહચાર્ય માણસને એકાંગી થવા દેતુ નથી, જીવંત રાખે છે.

સમજવાથી અંતર વધે, ચાહવાથી ઘટે.

લાગણીની વિમળતા એ જ સારપનું પ્રમાણ છે.

અમલમા ન મુકાયેલો આદર્શ દંભ છે.

સયમ એ પણ તપનો ભાગ ગણાય છે.

કેટલાક લોકો આખી જિંદગી સુંદર રહેવા માટે જ સર્જાયા હોય છે.

પ્રિયજનની વિમુખતા પછીની એકલતા પણ એક જાતનું મૃત્યુ જ છે.

બાળલગ્નનો સૌથી મોટો ફાયદો એ છે કે લાગણીઓને ચોક્કસ દિશા મળી જાય છે, મન ભટકતું નથી, પસંદગીની વિમાસણ રહેતી નથી.

કળાકાર થવા પહેલાં ભાવકની કક્ષા પ્રાપ્ત કરવાની હોય છે.

માણસ પોતાના માટે વેઠે એ તાપ, બીજાના માટે વેઠે એ તપ.તપ એ જ સેવા.

સમાધાન વિના સહજીવન શક્ય નથી.

માણસને જે ન મળે એનુ મહત્વ મળેલા કરતાં વધુ છે.

બાળપણની પ્રીત ભૂલાતી નથી, એ ભલે એક પક્ષીય હોય.

જે પ્રેમ ફલિત નથી થતો એ પણ એળે નથી જતો.

જે વ્યક્તિ કોઇને ચાહી શકે છે એનામાં સચ્ચાઈ હોય છે.

કૃષ્ણ, ઈશુ, બુદ્ધ, કે ગાંધીએ નવા ધર્મનો નહી, નવા જીવનનો ઉપદેશ આપ્યો હતો.

ગંભીરતાપૂર્વક લાદેલી નહી, પણ સ્વયંભૂ શિસ્ત જ વિકાસમાં ઉપકારક થઈ શકે.

પોતાનાં સ્મરણોની હત્યા કરવી એ પણ એક પ્રકારની આત્મહત્યા જ છે.

3 comments:

  1. આપે સરસ મજાનું સંકલન કર્યું છે.

    ReplyDelete
  2. વાહ.. સુંદર સંકલન

    ReplyDelete