'આશકા માંડલ'ને ઘણા વાચકોએ અશ્વિની ભટ્ટની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન આપ્યું છે. આ નવલકથા અશ્વિની ભટ્ટની શરૂઆતની નવલકથાઓમાંની અેક છે. નીરજા ભાર્ગવ, લજજા સન્યાલ, શૈલજા સાગર અને આશકા માંડલ, આ ચારેય નવલકથાઓ 1979માં પ્રગટ થયેલી. 456 પાનાંઓમાં ફેલાયેલી 'આશકા માંડલ' રાજસ્થાનની સંઘારી તોડા નામની જગ્યાઅે સંતાડવામાં આવેલ નાનાસાહેબ પેશ્વાના સત્તરસો કરોડના ખજાનાની શોઘમાં નીકળેલાંઓની કથા કહે છે.
આમ તો કથાનો સમયગાળો વીસમી સદીની શરૂઆતનો છે, પણ ખજાનાની વાત આ કથાને 1857ના વિપ્લવ સાથે જોડી આપે છે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ચંબલને કિનારે આવેલ કારોલી રાજયનો પરાક્રમી રાજા શૂરજીતસિંહ માંડલ દેશને ગુલામીની જંજીરમાંથી મુકત કરવા વિપ્લવવાદીઓને સાથ આપે છે. વિપ્લવની નિષ્ફળતા પછી અેની સંપત્તિ જપ્ત થાય છે અને કારોલીની તેની પ્રજા પણ હાલાકીનો ભોગ બને છે. અેક સમયનો રાજા હવે બાગી બની છુપાતો રહે છે. તેની પુત્રીના વિવાહ વખતે કર્નલ બેરીમૂર તેની ઘરપકડ કરે છે. અે વખતે તેનો પંદર વર્ષનો પુત્ર શરનસિંહ શૂરજીતસિંહના અન્ય બે વફાદાર માણસોની મદદ લઈને કર્નલની હત્યા કરીને પિતાને મુકત કરાવે છે. નાની ઉંમરે જ શરનસિંહ બાગી બને છે અને બ્રિટિશ થાણાઓ, ટ્રેઝરીઓ અને બ્રિટિશ તિજોરીઓ પર હાહાકાર મચાવે છે. આ શરનસિંહને નાનાસાહેબ તરફથી પેશ્વાનો ખજાનો મળેલો. હિંદુસ્તાનમાં આઝાદીનો વિપ્લવ ફરી થશે ત્યારે અે ખજાનો ખપમાં આવશે અેવી ઉમેદ હતી. આ શરનસિંહની પુત્રી તે આશકા માંડલ, આ નવલકથાની ખૂબસૂરત નાયિકા.
જોકે આ બધો ઇતિહાસ ફ્લૅશબૅકમાં આવે છે. કથાની શરૂઆત થાય છે નાયક સિગાવલ કેશીથી. તે રાજસ્થાનના હમીરગઢ નામના રાજયનો રાજકુંવર છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેના પિતાઅે 'અંગ્રેજ શહેનશાહની હાકલથી આ પારકા યુદ્ધમાં' જોડાવાનું પસંદ કર્યું છે અને પિતા સહિત તે અને તેનો મોટો ભાઈ અનુપસિંહ ફ્રાંસમાં છે. યુદ્ધમાં પિતાનું મૃત્યુ થતાં તેઓ અેમનો મૃતદેહ હમીરગઢ લાવે છે.
અનુપને ગાદી સોંપવામાં આવે છે. દરમિયાન અેક દિવસ સિગાવલ ત્રિસેક માઈલ દૂર આવેલી થોરાડની વીરડી નામની જગ્યાઅે જાય છે. અહીં રેતની આંધી વખતે ઢૂવાની સરતી જતી રેતમાં અેક હાડપિંજર તેની નજરે ચડે છે. ખજાનાની શોધની આ કથાનો આરંભ અહીંથી થાય છે. સિગાવલ અે મૃતદેહ પરની અમુક - ચીજો પટ્ટો, રાઇફલ,ઘડિયાળ, માદળિયું - લઈને મહેલે પાછો ફરે છે. તેની ભાભી જયશ્રી અને અનુપ અે ચીજો પરનાં માંડલ રાજવંશનાં રાજચિહ્નો જોઈને જણાવે છે કે અે મૃતદેહ શરનસિંહનો હોઈ શકે. શરનસિંહ શ્રીદેવીના મામા થાય, અને આશકા શ્રીદેવીની બહેન. દરમિયાન રાજમહેલની લાયબ્રેરીના કારકુન સખીરામ પર જાનલેવા હુમલો થાય છે. સખીરામ જેવા માણસ પરના હુમલાનું કારણ કોઈને સમજમાં આવતું નથી, પણ તેના ટેબલ પર પડેલી હાથીદાંતની શિંગડી (આઇવરી હૉર્ન) ગાયબ હતી અે વાત નાયક સિગાવલના ધ્યાનમાં આવે છે. આ સખીરામને પછી હૉસ્પિટલમાં ઝેર પાઈને તેની હત્યા નિપજાવવામાં આવે છે. મરતા પહેલાં તે ‘આશકા...આશકા’ બબડતો હતો. બેક દિવસ પછી ગૂમ થયેલી હૉસ્પિટલની ઍન્ગ્લો-ઈંડિયન નર્સ રમોના જૅકબની પણ હત્યા થયેલી લાશ મળે છે અને કોકડું વધુ ગૂંચવાય છે. દરમિયાન પરિવારનો સૉલિસિટર સિગાવલના પિતાનો પત્ર લઈને આવે છે. આ પત્રમાં તેમણે સખીરામને કેટલાક મહત્ત્વના કાગળો અને હાથીદાંતની શિંગડી સાચવવા આપ્યાની વાત જણાવી છે. આ પત્ર યુદ્ધ દરમિયાન યુરોપથી જ લખાયેલો. અે પત્ર લખાયેલો ત્યારે કર્નલ બર્નાડ હન્ટ સિગાવલના પિતા સાથે જ હતો.
આ કર્નલ બર્નાડ હન્ટ વળી સિગાવલના પિતાના અવસાન પછી હમીરગઢમાં પણ હાજરી આપે છે. ખજાનાની શોધના પૂરા પ્લાનનો અે માસ્ટરમાઇન્ડ છે અે હકીકત પછી સામે આવે છે. 35 વર્ષે લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી અે વતન પાછા ફરવાને બદલે અે હિંદુસ્તાનમાં જ ધામો નાખીને રહ્યો છે. અેણે જ સખીરામનું ખૂન કરીને પેલી શિંગડી હાંસલ કરી હતી. ખજાનાની શોધમાં અેણે અેની ભત્રીજી સાન્દ્રા અને અેના મંગેતરને પીટરને પણ સામેલ કર્યાં છે. અંદરના ભાગમાં ત્રિશૂલના નિશાનવાળી હાથી દાંતની શિંગડી શરનસિંહના વફાદારો માટે અેક ગુપ્ત અેંઘાણી હતી. અે અેંઘાણી સાથે લાવનારની બધી વાત બિનસંકોચ સ્વીકારવામાં આવતી. સખીરામ પાસેથી પેલી હાથીદાંતની શિંગડી ચોરી લીઘા પછી કર્નલ બર્નાડ હન્ટનો પ્લાન શરનસિંહની દીકરી આશકા માંડલનું અપહરણ કરવાનો છે. આ માટે અે જશવંતસિંહ ઠાકુર નામના માથાફરેલ બાગીની મદદ લે છે. છોકરીઓને ઉઠાવી જવાના કેટલાય ગુનાઓમાં અે સંડોવાયેલો છે. એનો સાથીદાર જેસો - નર-રાક્ષસ- અેનો પડછાયો બનીને હંમેશાં અેની સાથે રહે છે.
કર્નલ બર્નાડ હન્ટ આશકાનું અપહરણ કરાવીને ખજાના સુઘી પહોંચવા માંગતો હતો. શરનસિંહના છુપા કૅમ્પ સુધી પહોંચવા માટે અે પેલી શિંગડીનો ઉપયોગ કરે છે અને શરનસિંહના વફાદાર અેવાં જેસલમેરના રાજવીના સાળા પૃથ્વીસિંહ અને સખીરામની પત્ની જમના અેમ બંનેને અેક જગ્યાઅે મળવાનું જણાવે છે. સખીરામની પત્નીને કેટલોકો પોતાની સાથે લઈ જતાં જોઈને સિગાવલ ઘોડા પર તેમનો પીછો કરવા પ્રયત્ન કરે છે, પણ રસ્તામાં ઘાયલ થઈને બેહોશ થઈ જાય છે. અે હોશમાં આવે છે ત્યારે પોતાને શરનસિંહના કૅમ્પમાં જૂઅે છે. ત્યાં અે પહેલીવાર શરનસિંહની પુત્રી આશકાને જૂઅે છે અને અેના પ્રેમમાં પડી જાય છે. પૃથ્વીસિંહ અને જમના બેહોશીની હાલતમાં અેને ત્યાં લાવેલાં. વાર્તાલાપ દરમિયાન અે લોકોને ખ્યાલ આવે છે કે પૃથ્વીસિંહ અને જમનાને અેક જ જગ્યાઅે ભેગા કર્યાં પછી અેમના દુશ્મનોઅે અેમનો પીછો કર્યો હશે અને અેટલે અેમને આ કૅમ્પ વિશે ખ્યાલ આવી ગયો છે.
અે જ સમયે જશવંતસિંહનો માણસ આશકાનું અપહરણ કર્યાનો સંદેશો લઈને આવે છે. સંદેશા નીચે સહી કરનાર પીટર બેરીમૂર છે - પંદર વર્ષની ઉંમરે શરનસિંહના હાથે જેનું ખૂન થયું હતું અે કર્નલ બેરીમૂરનો દીકરો . અહીં અેક નવું પાત્ર ઉમેરાય છેઃ પૂરણસિંહ. પૂરણસિંહ શરનસિંહનો વફાદાર છે, અને વળી આશકાને ચાહે છે. આશકાને છોડવા માટે પીટર બેરીમૂર કેવી સોદાબાજી કરશે અેનો વિચાર તેઓ કરતા રહે છે. પીટરને જોકે પિતાના ખૂનનો બદલો લેવામાં રસ નથી. અેને રસ છે ખજાનામાં. અે ખજાનાના નકશાના બે ભાગ અેમને મળ્યા છે, પણ ત્રીજા ભાગનો નકશો શરનસિંહ પાસે છે. જોકે અે નકશો શેનો છે અે વિશે સિગાવલ, પૂરણસિંહ કે પૃથ્વીસિંહને પણ ખબર નથી!આખરે જશવંતસિંહ ખૂદ શરનસિંહના કૅમ્પે આવીને આશકાને છોડવાના બદલામાં અે ત્રીજા ભાગની માંગણી કરે છે. સિગાવલ નકશાના બે ભાગનો અભ્યાસ કરી જણાવે છે કે ત્રીજો ભાગ મળશે તો પણ નકશો પૂરો નહીં થાય. ત્રીજો ભાગ મળ્યા પછી પણ અેક કાપલી ખૂટશે. જશવંતસિંહ ગૂંચવાય છે.
આખરે સિગાવલ અેને શરનસિંહ હયાત નથી અેવી માહિતી આપીને પોતે અેમને નકશાની જગ્યાઅે પહોંચવામાં મદદ કરી શકશે અેવું જણાવે છે. આટલું કહ્યા પછી અે કહે છે કે મારી મદદ માટે પીટર બેરીમૂરે મારી સાથે સોદો કરવો પડશે (સખીરામના ખૂનીનું નામ જણાવવું પડશે).
આમ, જશવંતસિંહ સાથે સિગાવલ પીટરને મળવા જાય છે. સિગાવલ આશનાને મળે છે ત્યારે આશનાના માદળિયાની ચકતીમાં પેલા નકશાનો ભાગ મળે છે. પીટર કે જશવંતસિંહના હાથમાં અે ભાગ આવે અે પહેલાં સિગાવલ અે નકશાને સળગાવી દે છે. ગુસ્સે ભરાયેલા પીટર અને જશવંતસિંહને સિગાવેલ જણાવે છે કે અે નકશો સંઘારી તોડા નામની જગ્યાનો છે. તે અે લોકોને અે જગ્યાઅે લઈ જવા પણ તૈયાર છે. અમુક કલાકોમાં પૂરણસિંહ વગેરે પણ આશનાને છોડાવવા ત્યાં પહોંચી જાય છે. જયારે સિગાવલને ખબર પડે છે કે પીટર વગેરેનો સંઘારી તોડાઅે જવાનો અેકમાત્ર હેતુ શરનસિંહે છુપાવેલા ખજાનાને પ્રાપ્ત કરવાનો છે ત્યારે અે ખડખડાટ હસી પડે છે. કારણ કે, પૂરા રેગિસ્તાનમાં અેનાથી ભયાનક કોઈ વિસ્તાર નથી. અે મૂલકમાં માઈલોના માઈલો સુધી પાણી મળતું નથી, ઉપરાંત અમુક વિસ્તારોમાં રેતીના ખતરનાક ઢૂવા માણસને ગળી જવા તૈયાર જ હોય છે. આટલું પણ અધૂરું હોય અેમ ભયાનક સંઘારી દેહાતીઓના હુમલાનો ભય તો રહેવાનો જ. સિગાવલના મતે ખજાના માટેનો આ પ્રવાસ ‘પાગલ પ્રવાસ’ હતો. આમ છતાં આ પ્રવાસ થાય છે. અેમાં સામેલ થનારાં અલગ કારણો ઘરાવે છે, કોઈ ખજાનાના લોભથી જોડાયું છે, કોઈ પ્રેમના બંધનથી.
ખજાનાની શોધના આ પ્રવાસમાં આગળ જતાં આ પ્લાનનો માસ્ટરમાઇન્ડ કર્નલ બર્નાડ હન્ટ, ચંદર ઝાલોટ (આ ચંદર ઝાલોટ કોણ અે પણ જાણવા જેવું છે😐) અને અનુપની પત્ની શ્રીદેવી પણ જોડાય છે. કુલ મળીને 40 જેટલા માણસોનો કાફલો પાણીની મશકો, કપડાં, તંબુ, હથિયારો અને દારૂગોળા સાથે રેગિસ્તાનની આ ભયાનક મુસાફરી આદરે છે. આવી આકરી મુસાફરી દરમિયાન સારાં નરસાં બધા પાત્રો જે યાતનાઓનો ભોગ બને છે અેનો કોઈ હિસાબ નથી. કોઈ કોઇ જગ્યાઅે વાંચતી વખતે પણ અરેરાટી થઈ આવે તો અેના પરથી ફિલ્મ બને તો દૃશ્ય જોવાનું તો દુષ્કર જ થઈ પડે. અે બઘુ વાંચીઅે ત્યારે ખ્યાલ આવે કે અશ્વિની ભટ્ટને લોખંડી વાચકોના લેખક કેમ કહેવામાં આવે છે.
અે બધી યાતનાઓ કંઈ? 40માંથી કેટલાં લોકો ખજાના સુધી પહોંચે છે? શરનસિંહ જીવે છે કે નહીં? આવી આકરી મુસાફરી પછી ખજાનો મળે છે કે નહીં? અે બધા પ્રશ્નોના જવાબ માટે તો નવલકથા વાંચવી જ રહી.
આ નવલકથા જયારે ‘સંદેશ’માં ઘારાવાહિકરૂપે પ્રગટ થતી હતી ત્યારે અેના પ્રસ્તારને કારણે અેને બંધ કરીને અશ્વિની ભટ્ટની જ બીજી નવલકથા 'નીરજા ભાર્ગવ' શરૂ કરવાનો નિર્ણય લેવાયો, અને આશકા માંડલના વાચકોઅે ફરિયાદના પત્રોનો ધોધ વહેવડાવ્યો હતો. અે વાત ઇતિહાસ બની ગઈ છે. અનેક વાચકોઅે આ નવલકથા વાંચીને અશ્વિની ભટ્ટને પત્રો લખ્યા છે, સૂટકેસ ભરાય અેટલા બઘા પત્રો. અેક લેખકનાં પુસ્તકોને આટલી મોટી સંખ્યામાં વાચકો મળે અેથી મોટો કયો ઍવોર્ડ, કઈ સાહિત્યિક સંસ્થા લેખકને આપી દેવાની હતી?
અશ્વિની ભટ્ટની દરેક નવલકથાની જેમ અહીં પણ ભાષાની સરલતા, વર્ણનની સચોટતા, પ્લોટ પરનો ગજબનો કાબૂ વાચકો અનુભવી શકશે. અસાધારણ વિષયો પર લંબાણપૂર્વક લખવાની હામ ભીડવાનું કાર્ય બહુ અઘરું છે. મને ક્યારેક વિચાર આવે કે અશ્વિની ભટ્ટ જો અત્યારે યુવાન હોત તો એમણે પુસ્તકોની સાથે સાથે દિલઘડક વેબસિરીઝ આપી હોત.
આ નવલકથા પહેલીવાર મેં વીશેક વર્ષો પહેલા વાંચી હતી, ટીનએજમાં. આટલા વર્ષો પછી ફરી આ પુસ્તક વાંચવાની મજા પડી. સાર્થક પ્રકાશને ઉત્તમ કાગળમાં, અને ઉત્તમ છાપણી અને બાંધણી સાથે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે એ ખૂબ ગમ્યું. કેટલાંક પ્રકાશકો ધૂમકેતુ વગેરે જેવા સર્જકોનાં અમર પુસ્તકો પણ રદ્દી કાગળમાં અને તકલીફદેહ છાપણી અને બાંધણી સાથે કરે ત્યારે રડવાનું મન થઈ આવે.
- હિતેષ જાજલ
No comments:
Post a Comment