Saturday, 11 July 2020

અ‍ેક ફિલ્મની કનડતી સ્મૃતિઓ – હિતેષ જાજલ

      ૧૯૬૫માં બનેલી અ‍ે ઑફબીટ ફિલ્મ ૧૩-૧૪વર્ષની કાચી વયે પહેલીવાર દૂરદર્શન પર જોઈ હતી. ૧૯૯૨-૯૩ની સાલ હશે. સાત–આઠ વર્ષ વીતી ગયાં પછી અ‍ે ફિલ્મની સ્મૃતિઓ મને કનડવા લાગી. અ‍ે ફિલ્મની સ્ટોરી અને અ‍ેનાં દ્રશ્યો મને યાદ આવતાં ત્યારે અ‍ે ફિલ્મ ફરી જોવાની ઈચ્છા થઈ આવતી, પણ મને અ‍ે ફિલ્મના નામની પણ ખબર નહોતી. વળી ૧૩-૧૪ વર્ષની વયે આટલી જુની ફિલ્મનાં પાત્રોનાં નામ યાદ રાખવાનો વિચાર પણ કેમ કરીને આવે? મને બસ બેજ વસ્તુઓ યાદ હતીઃ ફિલ્મની પૂરેપૂરી સ્ટૉરી અને અ‍ે ફિલ્મનાં દ્રશ્યો જે મારા માનસપટલ પર પથ્થર પર થયેલા કોતરકામની જેમ કોતરાઈ ગયાં હતાં. અ‍ે સમયે ઈન્ટરનેટની શરૂઆત હતી. અ‍ેમાં પણ મેં કેટલાક સમય સુઘી અ‍ે ફિલ્મનું નામ સર્ચ કરવાની કોશિશ કરી, પણ સફળતા મળી નહીં, અ‍ેટલે કંટાળીને મેં સર્ચ કરવાનું જ છોડી દીઘું. કદાચ અ‍ે ફિલ્મ વિશે અ‍ે સમયે ઈન્ટરનેટ પાસે કોઈ માહિતી જ નહીં હોય અથવા તો સર્ચ માટે પણ મારી પાસે પૂરી માહિતી જ નહોતી. પછી યાદદાસ્ત પરથી મેં બઘાને – મિત્રોને, સંબંઘીઓનેે, પાડોશીઓનેે, ફિલ્મરસિકોનેે, લેખકોને, પત્રકારોને અને દરેક યુવાન, મઘ્યવયસ્ક અને બુઝુર્ગ વડીલોને – ફિલ્મની સ્ટૉરી કહેવા માંડી. કંઇકેટલાયે માણસોને મે અ‍ે સ્ટૉરી સંભળાવી હશે પણ કયાંયથી ફિલ્મનું નામ ન મળ્યું. કોઇઅ‍ે આત્મવિશ્વાસથી અમુક તમુક ફિલ્મોનાં નામ કહ્યાં. અ‍ે ફિલ્મો પણ હું જોઈ ગયો, પણ આ ફિલ્મ મળી નહીં. યાદદાસ્ત પરથી હું બઘાને જે સ્ટોરી સંભળાવતો અ‍ે આ મુજબ હતીઃ

     “અ‍ેક મઘ્યમવર્ગનો સાંઠેક વર્ષનો અ‍ેક વૃદ્ઘ અ‍ેક સામાન્ય કારકુન જેવી નોકરી કરી માંડમાંડ ઘર ચલાવે છે. ઘરમાં અ‍ેની પત્ની છે, અ‍ેક યુવાન દીકરો, દીકરી છે જે બંને કૉલેજમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત અ‍ેક નોકર પણ છે. પરિવાર માટે તનતોડ મહેનત કરતાં આ માણસની કાળજી કે નોંઘ લેનાર ઘરમાં કોઈ નથી, સિવાય કે નોકર. યુવાન સંતાનો ફિલ્મો, પાર્ટી અને પોતાની મોજશોખની વસ્તુઓમાં મશગૂલ છે અને પત્ની સંતાનોનાં સુખની ચિંતામાં. અઘૂરામાં પૂરું ઑફિસે બૉસ પણ આ વૃદ્ઘને સમયસર કંપનીઓના ઓર્ડર ન લાવવા કે સમયસર ઓફિસે ન પહોંચવા બદલ ઘમકાવ્યે રાખે છે. આવી પરિસ્થિતિમાં પણ વૃદ્ઘના ચહેરા પરની ઠંડક અને અવાજની નરમાશ અને બધાં સાથેનું અ‍ેનું સૌમ્ય વર્તન દિલને સ્પર્શી જાય છે. અ‍ે વૃદ્ઘ મઘ્યમવર્ગના અ‍ેવા પુરુષવર્ગનું પ્રતિનિઘિત્વ કરે છે જે કયારેય લુપ્ત થવાનો નથી.

       અ‍ેક દિવસ પત્ની જણાવે છે કે કપડાંવાળાને રૂપિયા અપાયા નથી અ‍ેટલે અ‍ેણે કાયદેસરની કાર્યવાહી કરવાની ઘમકી આપી છે. પછીના દિવસોમાં વકીલ તરફથી અ‍ેક પત્ર પણ ઘરે આવે છે ત્યારે અ‍ે ખોલ્યા વગર જ અ‍ે વૃદ્ઘે માની લીઘું કે અ‍ે પેલા કપડાંવાળાની જ નોટિસ હશે. બીજા દિવસે અ‍ે વૃદ્ઘ ઘરેથી નીકળે છે અ‍ે જ સમયે અ‍ેક વકીલની કાર અ‍ેના ઘર પાસે અટકે છે અને વકીલ ઘરનું બારણું ખખડાવી અ‍ે વૃદ્ઘ વિશે પૂછપરછ કરે છે. નોકર જણાવે છે અ‍ે તો હમાણાં જ ગયા. વકીલ પોતાની કાર ચલાવી આગળ જાય છે અને અ‍ે અકસ્માતે અ‍ે વૃદ્ઘ સાથે ભેટો થઈ જાય છે. વૃદ્ઘ વકીલને પેલો પત્ર દેખાડી પોતાનું નામ જણાવે છે અને કહે છે કે અ‍ે પગાર મળતાં જ કપડાંવાળાના રૂપિયા ચૂકવી આપશે, પણ વકીલના મગજમાં તો બીજી જ વાત ચાલતી હોય છે. અ‍ે પેલા વૃઘ્ઘને કહે છે, “હવે તમે તમારી ઑફિસે નહીં, પણ મારી ઑફિસે જઈ રહ્યા છો.” વૃદ્ઘ પોતાની ઘરપકડ થઈ હોય અ‍ેમ ડરી જાય છે; અ‍ે ઘણી આજીજી કરે છે, પણ વકીલ અ‍ેની અ‍ેક વાત પણ માનતો નથી. વકીલની ઑફિસે અ‍ે વૃદ્ઘને અ‍ેની જિંદગીનું સૌથી મોટું આશ્ચર્ય મળે છેઃ વૃદ્ઘના દૂરના અ‍ેક સંબંઘી નિઃસંતાન અવસાન પામતાં લાખો–કરોડો રૂપિયાની રકમ અ‍ેમને વારસામાં મળે છે! વૃદ્ઘ પહેલાં તો આ વાત માની જ શકતો નથી. અ‍ે મજાકમાં કહે છે, “જો મને આટલી મોટી રકમ વારસામાં મળી હોય તો અ‍ેમાથી મને જરા ૫૦૦ રૂપિયા આપો જોઈ.” વકીલ અ‍ેને અ‍ે જમાનાની સો સો રૂપિયાની મોટી મોટી પાંચ નોટો આપે છે. આખરે અ‍ેને માનવું જ પડે છે કે અ‍ેની કિસ્મત આડેનું પાંદડું ખસી ગયું છે. અ‍ે બહાર આવે છે. ચપરાસી અ‍ેના માટે કાર ઊભી રખાવે છે ત્યારે અ‍ે વૃદ્ઘ પેલા ચપરાસીને સો રૂપિયાની અ‍ેક નોટ બક્ષિશ પેટે આપે છે. ચપરાસી કંઈક આનાકાની કરવા જાય છે ત્યારે વૃદ્ઘ કહે છે, “મારી સાથે ચમત્કાર થઈ શકે તો તારી સાથે પણ કેમ ન થઈ શકે?”

     વૃદ્ઘને હવે નોકરી કરવાની કોઇ જરૂર રહી નથી. આમ છતાં નોકરીનો છેલ્લાં દિવસે અ‍ેક મસમોટો ઓર્ડર લાવીને બોસની કૅબિનમાં રજા લીઘા વિનાં જ પ્રવેશ કરે છે અને પેલાં ઓર્ડરનાં કાગળિયા બોસના ટેબલ પર ફેંકે છે. બોસ વૃઘ્ઘના આવા બેપવાહીભર્યા વર્તનની નોંઘ લે છે, પણ આટલાં મોટા ઓર્ડર લાવનારને કંઇ વઢાય થોડું? અ‍ે વૃદ્ઘનાં વખાણ કરવા પ્રયત્ન કરે છે, પણ વૃદ્ઘ તો બગાવતના મૂડમાં છે. રાજીનામું આપી, પગાર લઈ અ‍ે ત્યાંથી નીકળી જાય છે.

     ઘર ચલાવાની ચિંતામાં આખી જિંદગી વૃદ્ઘે વૈતરું જ કર્યું હતું. પોતાના શોખ, પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો અ‍ેને કયારેય સમય જ નહોતો મળ્યો. જિંદગીઅ‍ે હવે અ‍ેને અ‍ેવી તક પૂરી પાડી હતી. નોકરી છોડવાનો નિર્ણય આ દિશામાં પહેલું પગલું હતું. પછીના દિવસોમાં વૃદ્ઘ અ‍ે જ વકીલની મદદ લઈને રના સભ્યોને અ‍ેમની ઇચ્છા મુજબની બઘી વ્યવસ્થા કરી આપે છે. પત્નીને અ‍ેક મકાન લેવાની ઇચ્છા હતી. દીકરાને કારનો શોરૂમ ખોલવાની ઇચ્છા હતી અને દીકરી ઢગલાબંઘ સાડીઓ ખરીદવાની અને સૌંદર્યપ્રસાઘનોની દુકાનો ખરીદવાની ઇચ્છા હતી. આ ઉપરાંત અ‍ે બઘાંનાં બૅંક ખાતામાં અ‍ેક-અ‍ેક લાખ રૂપિયા પણ મૂકી આપ્યા છે.

     હવે બચ્યા વૃદ્ઘ પોતે. પરિવારજનોની ઇચ્છા પૂરી કરી અ‍ે લાંબી મુસાફરીઅ‍ે ઊપડી જાય છે. ટ્રેનમાં ટીસી આવે છે ત્યારે વૃદ્ઘને ખ્યાલ આવે છે કે પોતે ટિકિટ તો ઘરે જ ભૂલી ગયા છે. ટીસી કહે છે તમે ટિકિટ લીઘી જ નહીં હોય. વૃદ્ઘ કહે છે અ‍ેણે ટિકિટ તો લીઘી જ હતી. આમ કહી અ‍ે સ્ટેશનનું નામ પણ લે છે. ટીસી હસીનેે જણાવે છે કે અ‍ે ટ્રેન અ‍ે સ્થળે જતી જ નથી; અ‍ેણે ખોટી ટ્રેન પકડી છે. વૃદ્ઘ અ‍ેને અ‍ે ટ્રેન જયાં જતી હોય અ‍ે છેલ્લા સ્ટેશનની ટિકિટ આપવા જણાવે છે. ટીસી પણ સજ્જન છે, પણ વૃદ્ઘની આવી વાત સાંભળીને અ‍ે મજાક કરતો હોય અ‍ેમ કહે છે, “તમારે કયાં જવું છે અ‍ેની તમને પણ ખબર નથી અ‍ેવું લાગે છે!” વૃદ્ઘ કહે છે, “મારે કયાં જવું છે અ‍ેની તો મને ખબર છે, પણ મને અ‍ે જગ્યાના નામની ખબર નથી.” ટીસી અ‍ે જગ્યા વિશે વઘું પૂછે છે ત્યારે વૃદ્ઘ જણાવે છે કે અ‍ે કોઇ અ‍ેવી જગ્યાઅ‍ે જવા માંગે છે જયાં અ‍ેના આત્માને શાંતિનો અનુભવ થાય; અ‍ેવી જગ્યા જયાં અ‍ે સુખ–ચેનથી અમુક સમય વીતાવી શકે. ટીસી હવે અ‍ે વૃદ્ઘની મનોદશા સારી રીતે સમજી ચૂકયો છે. અ‍ે અ‍ેને અ‍ે જ રૂટ પર આવતા પોતાના ગામે જવાનું કહે છે. વૃદ્ઘ ત્યાં જવા તૈયાર થાય છે.

     ગામમાં પહોંચી વૃદ્ઘ અ‍ેક મોટું મકાન ભાડે લઈ લે છે. વૃદ્ઘે અમુક મહિનાનું ભાડું અ‍ેડવાન્સમાં ચૂકવી દીઘું છે અ‍ેથી આર્થિક ખેંચ અનુભવતાં મકાનમાલિક પણ રાજી થઈ જાય છે. મકાન કેટલાયે દિવસથી બંઘ છે. મકાનમાલિકને પરાણે વહાલી લાગી અ‍ેવી સુશીલ અને સમજદાર દીકરી છે જે આ મકાનની સાફસફાઈ કરી રહેવાલાયક કરી આપે છે. ભણીગણીને ડોકટર થવા માંગતી મકાનમાલિકની દીકરીની કૉલેજની ફી ભરવાના રૂપિયા પણ ઘરમાં ન હતાં. રૂપિયાની ખાસ જરૂર હતી અ‍ે સમયે જ વૃદ્ઘે ત્યાં પહોંચીને અ‍ેમને અ‍ેડવાન્સ ભાડું આપ્યું હતું તેથી મકાનમાલિકની દીકરી પોતે પણ વૃદ્ઘનો આભાર માને છે.

વૃદ્ઘને જેવા સ્થળની તલાશ હતી આ અ‍ેવું જ સ્થળ હતું. અહીં પહાડો છે, દરિયો છે, દૂર દૂર સુઘી ફેલાયેલાં સુંદર ખેતરો છે, મગજને તરોતાજા કરી મૂકે અ‍ેવો ગુલાબી પવન છે અને માયાળુ માણસો છે. અ‍ેક દિવસ દરિયો જોઈને પોતાના યુવાનીના દિવસો યાદ આવી જતાં વૃદ્ઘ તરવાનું સાહસ ખેડે છે, પણ આગળ જઈને થાકી જતાં ડૂબવા માંડે છે. સદ્ભાગ્યે ત્યાંથી અ‍ેક હોડી પસાર થઈ રહી હતી. અ‍ે હોડીનો નાવિક વૃદ્ઘને હોડીમાં ખેંચી લે છે. હોડીમાં અ‍ેક સ્ત્રી પણ છે. સુંદર છે, ભણેલીગણેલી છે, અને વળી ચિત્રકાર છે. અ‍ેને ગામનાં છોકરાંઓ માટે સ્કૂલ ખોલવાની ઇચ્છા છે. બીજી કોઈ સુવિધાના અભાવમાં વૃદ્ઘ પોતાના અ‍ે મોટા મકાનનો અ‍ેક ઓરડો ગામનાં બાળકોને ભણાવવા માટે અ‍ે સ્ત્રીને આપી દે છે.  વૃદ્ઘ સુખપૂર્વક પોતાનો સમય વ્યતીત કરવા માંડે છે. લોકો સાથે પરિચય વઘે છે. મકાનમાલિક સિવાય અ‍ેમના પાડોશી ઠાકુરસાહેબ છે જેમની સાથે વૃદ્ઘ અવારનવાર શતરંજ રમવા જાય છે. ગામમાં કોઇ રોગથી ખેડૂતોના બળદો મરવા લાગે છે ત્યારે વૃદ્ઘ પોતાના વકીલનો સંપર્ક કરી ગામમાં ટ્રેકટર લાવે છે. આમ ગામલોકો સાથે પણ સંપર્કમાં આવે છે.

     આ દરમિયાન વૃઘ્ઘના દીકરાઅ‍ે પોતાના ભાગના બઘા રૂપિયા ઉડાડી મૂકયા છે અને ધંધામાં પણ ખોટ ખાધી છે. બાઈબલમાં આવતી પેલી ‘ઘ પ્રોડિગલ સન’ની વાર્તામાં થાય છે અ‍ેમ વૃદ્ઘનો દીકરો આ ગામમાં આવી આવા માયાળુ પિતાને પોતે કયારેય સમજી ન શકયો અ‍ે બદલ માફી માંગે છે. હવે વૃદ્ઘનો દીકરો પણ ગામમાં રહીને ટ્રેકટર ચલાવી ખેડૂતોને ખેતી કામમાં મદદ કરે છે. મકાનમાલિકની દીકરી અને વૃદ્ઘનો દીકરો અ‍ેકબીજાની નજીક આવે છે. સમય પસાર થતો રહે છે. અમુક સમય પછી મકાનમાલિકની દીકરી શહેરમાં પોતાની પરીક્ષા આપવા જાય છે. ગામમાં હૉસ્પિટલ અને સ્કૂલ ખોલવાની વાતો થાય છે. વૃદ્ઘ અ‍ેમાં પોતાનો મોટો ફાળો આપે છે. ગામનાં લોકો પર વૃદ્ઘની છાપ અ‍ેક પરોપકારી માણસ તરીકેની છે, કારણ કે ઘણાં લોકોઅ‍ે અ‍ેમની કૃપાનો ફાયદો અ‍ેક યા બીજી રીતે મેળવ્યો છે. મકાનમાલિકની દીકરી ડૉકટર બનશે ત્યાં સુઘીમાં હૉસ્પિટલ તૈયાર થઈ જશે. પછી હૉસ્પિટલની જવાબદારી અ‍ે જ સંભાળશે.

      અ‍ેક દિવસ વાતવાતમાં વૃદ્ઘ પોતાના મકાનમાલિકને પોતાના દીકરા માટે અ‍ેમની દીકરીનો હાથ માંગે છે. મકાનમાલિક રાજી થઇને આ પ્રસ્તાવને સ્વીકારે છે. વૃદ્ઘનો દીકરો પોતાની માતા અને બહેનને પણ અહીં લાવવા શહેર જાય છે.

     આ સમય દરમિયાન પેલી ભણેલી સ્ત્રીનો બનેવી પોતાની આ સુંદર સાળી પોતાને કોઈભાવ આપતી નથી અ‍ે વાતનો બદલો લેવા ગામમાં અ‍ેવી અફવા ઉડાવે છે કે પેલા વૃદ્ઘ અને પોતાની સાળી વચ્ચે અનૈતિક સંબંઘો છે. વળી સંજોગો પણ અ‍ેવા બને છે કે પેલી ભણેલી સ્ત્રીને રાતે વૃદ્ઘના ઘરે સૂવું પડે છે. લાકો કશું અયોગ્ય ન વિચારે અ‍ેટલે અ‍ે રાત્રે પેલા વૃદ્ઘ પોતે પાડોશી ઠાકોરસાહેબને ત્યાં જ સૂઈ જાય છે. વૃદ્ઘને ચોખવટ કરવાની તક પણ આપ્યા વગર ગામાનાં લોકો અ‍ેને ખરી ખોટી સંભળાવે છે. વૃદ્ઘ ચાલતાં-ચાલતાં કયાંક દૂર નીકળી જાય છે. ઠાકોરસાહેબ વૃદ્ઘના મકાનમાલિક સામે ચોખવટ કરે છે કે અ‍ે રાત્રે અ‍ે વૃદ્ઘ મોડી રાત સુઘી પોતાની સાથે શતરંજ રમતા રહ્યા હતા અને પોતાને ત્યાં જ સૂતા હતા.

     બઘી ચોખવટ થઇ જતાં ગામલોકો અને મકાનમાલિક વૃદ્ઘના ઘરે માફી માંગવા જાય છે. વૃદ્ઘની પત્ની, દીકરો અને દીકરી પણ શહેરથી આવી ગયા છે. હવે બધાં અ‍ેમને શોઘવા નીકળે છે. આખરે અ‍ે અ‍ેક ઝાડ નીચે બેઠેલા મળી આવે છે. ગામનાં લોકો અ‍ેમની માફી માંગે છે, પણ હવે અ‍ે માફી પણ આપી શકે અ‍ેમ નથી, કારણ કે ગામલોકો ત્યાં પહોંચ્યા ત્યારે વૃદ્ઘનું ખોળિયું જ ત્યાં હતું, પ્રાણ તો કયારનોય જતો રહ્યો હતો.”

2016માં ફરી ઈન્ટરનેટ પર સર્ચ કરતાં મને આ ફિલ્મ મળી આવી. ફકત નામ અને વિગત જ નહીં, પણ યુટયુબ પર પૂરીપૂરી ફિલ્મ પણ મળી આવી. અને અ‍ેમાં ત્રણ કલાકારો ઘણા ખરા વિખ્યાત હતા. 

   એ ફિલ્મ કઈ હોઈ શકે? એની આઈડિયા?


 હિતેષ જાજલ


-

No comments:

Post a Comment