Wednesday, 13 January 2021

ભાષાસજ્જતા

        ‘કોલાહલથી દૂર’ની સુંદર અક્ષરો સાથેની સ્વચ્છ હસ્તપ્રત પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇને સોંપ્યા પછીના અમુક દિવસોમાં હું ત્યાં ગયો ત્યારે એમણે એ હસ્તપ્રતની ટાઇપ પ્રૂફવાચન થયેલી કૉપિ મને જોઈ જવા માટે આપી. ઘરે જઈને પ્રૂફવાચકના સુવધુરા સાથેની એ કૉપિ મેં વાંચવા માંડી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ ગુજરાતી ભાષાનું એક નવું જ સ્વરૂપ મારી સામે ઉઘડવા લાગ્યું. હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ વગેરે જેવી અનેક ભૂલો તો જોડણીકોશની મદદથી મારી હસ્તપ્રતમાં મેં સુધારી જ લીઘી હતી, છતાં બીજી કેટકેટલી નાની-મોટી ભૂલો એમાં સુધારેલી હતી! કોઇ યુવતી બ્યૂટી પાર્લરમાંથી વઘું સુંદર થઈને બહાર નીકળે એવું લાગી રહ્યું હતું. એ કૉપિ તપાસીને લેખક કે અનુવાદક જ કરી શકે એવા થોડા ઘણા સુધારા સૂચવીને હું ફરી ગોપાલભાઇને મળ્યો ત્યારે સુંદર પ્રૂફવાચન બદલ મારો રાજીપો વ્યકત કરતાં મેં પ્રૂફવાચક વિશે પૂછયું. એમણે કહયું, ‘અમારી પાસે અનેક લેખકો આવતાં હોય છે. એમની પાસે અનુભવ હોય, કલ્પનાશકિત હોય, વિચારક્ષમતા હોય, પણ બઘાં પાસે એકસમાન ભાષાકૌશલ્ય ન હોય એ સમજી શકાય એવી વાત છે. એટલે જ તો પ્રૂફવાચકની જરૂર પડે છે. તમારા પુસ્તકનું પ્રૂફવાચન નટુભાઇ રાજપરાએ કરેલું છે. અત્યારે એમની ઉંમર ૮૯-૯૦ વર્ષની છે. ચાલીશેક વર્ષો પહેલાં, તેઓ પ્રોફેસર હતા ત્યારે થોમસ હાર્ડીનું આ પુસ્તક અભ્યાસક્રમમાં હતું. એ સમયે પહેલી વાર એમણે આ પુસ્તક વાંચેલું તે આટલાં વર્ષો પછી તમારા ભાવાનુવાદરૂપે આ પુસ્તક ફરી એમની સામે આવ્યું. સામાન્યપણે તેઓ કોઈ પુસ્તકનાં જલદી વખાણ ન કરે, પણ આ વખતે એમણે સામેથી જ મને કહયું કે તમે સરસ ભાવાનુવાદ કર્યો છે. એમને ગમ્યો છે.’ 

             નટુભાઇએ કેવા કેવા સુધારા કર્યા? હું લખું ‘આત્મસાત’; નટુભાઇ સુધારીને લખે ‘આત્મસાત્’. હું લખું ‘લગ્ન શું ચીજ છે...’; નટુભાઇ સુધારીને લખે ‘લગ્ન શી ચીજ છે...’. હું લખું ‘દેખાવમાં સામ્યતા હતી.’; નટુભાઇ સુધારીને લખે ‘દેખાવમાં સામ્ય હતું.’. આવી અનેક ભૂલો હતી. એમાંથી કેટલીક મહત્ત્વની અહીં સુધારા સાથે મૂકું છું. કૌંસ બહારના શબ્દો મારા છે અને કૌંસમાં રહેલા સુઘારા નટુભાઇના. શ્રાપ આપવાનું (શાપ આપવાનું), શૈતાન (શયતાન), નિંદ્રા (નિદ્રા), બેન-બનેવી (બહેન-બનેવી), એમાનું પરિવાર (એમાનો પરિવાર), બોલ્ડવુડ જેવા વ્યકિતને (બોલ્ડવુડ જેવી વ્યકિતને), તમે હવે જાવ. (તમે હવે જાઓ.), હું સીઘી મૂળ વાત પર આવું. (હું સીઘો મૂળ વાત પર આવું.), એ સમયે આપણે કયાં હશું? (એ સમયે આપણે કયાં હોઇશું?), ભકતગણ ઊભું થયું. (ભકતગણ ઊભો થયો.), બેંડબાજાં (બૅડવાજાં), હું કંઈક મોકલાવું છું. (હું કંઈક મોકલું છું.), એણે કપડાં બદલાવ્યાં. (એણે કપડાં બદલ્યાં.), શું જવાબ દેવો? (શો જવાબ દેવો?), એકવાર (એક વાર), ગઇકાલે (ગઇ કાલે), આમપણ (આમ પણ), ત્યાંજ (ત્યાં જ), જો કે (જોકે)... આ ઉપરાંત અનુસ્વારની ભૂલો તો બેહિસાબ હોય! ૨૦ ટકા જેટલું અનુસ્વારનું જ્ઞાન તો સરેરાશ વાચકોમાં પણ હોય છે, પણ અનુસ્વારના કેટલાક સુધારા મને સમજાતા નહોતા! અત્યારે પાંચેક મહિનાઓ પછી અનુસ્વારના એ બઘા નિયમો વાંચી લીઘા પછી અને ઘણે અંશે એ નિયમોને આત્મસાત્ કર્યા પછી મને મારી જ ભૂલો પર હસવું આવે છે. દા.ત. ધારો કે મારાં બે વાકયો મારાં અનુસ્વાર સાથે આમ હોયઃ “થોમસ હાર્ડી લોકપ્રિય બની રહ્યાં હતાં.” અને “તેઓ આઠ વર્ષના થયા ત્યાં સુઘી એમનાં માતા જ એમનાં શિક્ષકા બની રહ્યાં હતાં.”, તો પ્રૂફવાચન પછી ઉપરના પહેલા વાકયને અંતે રહેલા બે શબ્દોઃ ‘રહ્યાં હતાં’ નાં અનુસ્વાર દૂર થઇ જાય અને બીજા વાકયને અંતે રહેલા એ જ પ્રકારના બે શબ્દો ‘રહ્યાં હતાં’ પરનાં અનુસ્વાર ચાલું રહે! 

            આ પ્રકારની પ્રૂફવાચન થયેલી કૉપિ પસ્તીમાં જતી હોય છે. ભાષાસજજતાના તાલીમ વર્ગોમાં એ પાઠયપુસ્તક તરીકે ખપમાં આવી શકે. અનુસ્વારની કે બીજા પ્રકારની ભૂલો ભાષાસજજતા છતાં કયારેક લખાણમાં રહી જતી હોય છે તો કયારેક નજરમાં આવતી નથી. દેખીતી રીતે જે લખાણ સાચું લાગતું હોય એમાં પણ અનેક પ્રકારની ભૂલો રહી જતી હોય છે, અને જીતેન્દ્ર દેસાઇ કહે છે એ મુજબ કયારેક પાંચમી વારનું પ્રૂફ પણ સંતોષજનક ન લાગે. ફેસબુક પર સુવાકયો ટાંકતી વખતે પણ અમુક લોકો, અમુક લેખકો સુધ્ધાં, ‘આત્મસાત્’ લખતી વખતે ખોડો ‘ત્’ કરતાં નથી. સંયકતાક્ષર (જોડાક્ષર) લખવાની વ્યવસ્થિત તાલીમ શાળામાં અપાતી ન હોવાથી સરેરાશ ગુજરાતી ‘શ્રદ્ધા’ લખવાને બદલે ‘શ્રધ્ધા’ જ લખે છે. ખોડો ‘દ્’ અને ‘ધ’ જોડાઇને ‘દ્ધ’ અક્ષર બને એવો ખ્યાલ હોય તો અમુક જગ્યાએ ટાઇપ કરતી વખતે ‘દ્ધ’ અક્ષર કયાંય શોધવા જવું ન પડે. 'શ્રદ્ધા'ને 'શ્રધ્ધા' લખવાને કારણે જ્યારે વિશેષ નામ તરીકે 'શ્રદ્ધા'નું અંગ્રેજી કરવાનું આવે ત્યારે પણ જોડણીમાં ભૂલ પડે. 

            ૧૯૯૪માં હું દશમા ઘોરણમાં અભ્યાસ કરતો ત્યારે ગુજરાતીના પાઠયપુસ્તકમાં આવતી ‘લોહીની સગાઈ’, ‘જુમો ભિસ્તી’ કે ‘સેલ્વી પંકજમ્’ જેવી વાર્તાઓ મને એેટલી હદે ગમી ગઈ હતી કે એ વાંચતાં વાંચતાં જ સાહિત્ય અને વાચન સાથે કયારે સંબંધ બંધાઈ ગયો એની મને પણ ખબર ન પડી . અત્યાર સુઘીમાં આશરે નહીં, પણ રેકોર્ડ તપાસીને કહું તો મેં ૧૦૦૦થી વધુ પુસ્તકો વાંચ્યાં છે. કોઇને આ આંકડો મોટો લાગી શકે, કોઇને નાનો. આટલાં વર્ષોમાં પુસ્તકોનો સંપર્ક કયારેય છૂટયો નથી કે સાહિત્ય પ્રત્યેની મારો લગાવ જરાય ઘટયો નથી; એ લગાવ વઘ્યો છે અને વધતો રહે છે. આમ છતાં ભાષાસજજતા પ્રત્યે મેં ખાસ ઘ્યાન આપ્યું નહોતું. પપ્પાનો અભ્યાસ ૪ ઘોરણ સુઘીનો. મમ્મીએ ઓલ્ડ એસ.એસ.સી સુઘીનો અભ્યાસ કરેલો અને શિક્ષણનું મહત્ત્વ સમજતાં એટલે હું ખૂબ અભ્યાસ કરું એવી એમની ઇચ્છા હતી. ભાષાસજજતા વિશે બાળપણમાં મને ખાસ તાલીમ મળી શકી નહીં, અને અધૂરામાં પૂરું ગુજરાતી સાહિત્યનાં અનેક પુસ્તકોનું વાચન કર્યું હોવા છતાં કૉલેજમાં મેં અંગ્રેજી વિષય રાખ્યો. આને લીધે ગુજરાતી વ્યાકરણ કાચું રહ્યું અને અમુક જોડાક્ષરો લખવાથી લઇને અનુસ્વાર વગેરે જેવી બાબતોમાં હમણાં સુધી મને તકલીફ રહી. 

           આ પુસ્તક પ્રકાશન અને પ્રૂફવાચનની પ્રક્રિયામાંથી પસાર થયા પછી, ભાષા પ્રત્યેની મારી સભાનતામાં અનેકગણો વઘારો થયો છે. ૧૯૯૯ માં કૉલેજના પ્રથમ વર્ષ દરમિયાન લખેલી મારી પ્રથમ વાર્તા ‘દાદા’ નવચેતન સામયિકમાં છપાઇ હતી. આજે પણ કોઇ એ વાર્તા વાચે તો ચંદ્રકાંત બક્ષીની અસર એમાં દેખાઈ આવે. ૨૦૧૨માં મમતા સામયિકમાં ‘મહેશ્વરી’ નામની વાર્તા છપાઇ હતી. કુલ દશેક જેટલી જ વાર્તાઓ આટલા લાંબા સમયમાં મારાથી લખી શકાઈ છે. ભાષાસજજતા સાહિત્યસર્જન જેવું નથી કે બધા ન કરી શકે. હા, એ થોડી ઘણી મહેનત અને ખંત જરૂર માગે છે. આ માટેના તાલીમ વર્ગોમાં ભાગ લીઘો હોય તો ભાષા વિષયક સજજતા કેળવી શકાય છે. અને વળી જો સાહિત્યિક સર્જનોને માત્ર સુધારી જ નહીં પણ માણી પણ શકતા હોય એવા અનુભવી અને ખુલ્લાં મનના એક-બે પ્રૂફવાચકો જીવનમાં મિત્ર તરીકે મળે તો ઉત્તમ. 

 ભાષાસજજતાથી તમે કદાચ લેખક નહી બની શકો. સાહિત્યસર્જન ઘણે અંશે જન્મદત્ત મળેલી બક્ષિશ સમાન છે. અને વળી સર્જકોની સર્જનાત્મકતામાં ફરક હોય છે. કોઇક વર્ષમાં બે-ત્રણ પુસ્તકો, એ પણ વળી ગુણવત્તાયુક્ત, વિના આયાસે લખી શકે છે તો કોઇકને એક નબળું પુસ્તક લખવામાં પણ યાતનાનાં અનેક વર્ષો વીતી જાય છે. ભાષામાં નિપૂણતા મેળવવાથી કદાચ તમે ‘વૈષ્ણવજન તો તેને રે...’, ‘તિલક કરતાં ત્રેપન થયાં...’, ‘ડગલું ભર્યું કે ના હઠવું ...’, ‘વ્યકિત મટીને હું બનું વિશ્વમાનવી...’, ‘જયાં જયાં નજર મારી ઠરે...’ ‘તને ઝંખી છે યુગોથી ઘીખેલા પ્રખર સહરાની તરસથી’ ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’ જેવી પંકિતઓ કે મિયાં ફૂસકી, સરસ્વતીચંદ્ર, અલીડોસા, ભદ્રંભદ્ર, ગોપાળબાપા, તિલક, કે અમરત કાકી જેવાં અમર પાત્રો કે ‘સૌરાષ્ટ્રની રસઘાર’, ‘માનવીની ભવાઇ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘લીલૂડી ઘરતી’, ‘ગ્રામલક્ષ્મી’, ‘સાત પગલાં આકાશમાં’, ‘આકાર’, ‘પેરેલિસિસ’, ‘આંગળિયાત’, ‘વિચારોના વૃન્દાવનમાં’, ‘ઓતરાતી દીવાલો’, ‘સહરાની ભવ્યતા’ કે ‘અમાસના તારા’ ‘ઊપરવાસ’ કથાત્રયી, ‘પ્રિયજન ‘તત્ત્વમસિ’, ‘અકૂપાર’ જેવા ઉત્તમ કક્ષાનાં પુસ્તકો વગેરેનું સર્જન ન કરી શકો, પણ આવાં સર્જનોનાં ઉત્તમ વાચક તમે અવશ્ય બની શકશો. એથી માતૃભાષા પદ્ધતિસર શીખ્યાનું ગૌરવ પણ અનુભવાશે અને તમારા આત્મવિશ્વાસ અને લોકો તરફથી મળતાં સમ્માનમાં પણ ખસૂસ વઘારો થશે જે તમારા ક્ષેત્રમાં પણ અનેક રીતે ઉપયોગી પુરવાર થઈ શકે.